‘સરહદ પર છે વીર જવાન, દેશમાં શાંતિનો પ્રસાર
વાવીશું વૃક્ષો પારાવાર, સમૃદ્ધ બનશે રાષ્ટ્ર અપાર.’
વીર સૈનિકોની દેશદાઝ અને પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજોના નિભાવનો સુમેળ કોઈપણ રાષ્ટ્રને સર્વાંગી રીતે પ્રયત્નશીલ બનાવે છે. આ ભાવનાને કેન્દ્રમાં રાખી પર્યાવરણની જાળવણી, તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની કટિબદ્ધતા સાથે ‘એક કદમ હરિયાળી તરફ’ વિષયવસ્તુ અંતર્ગત ભારતના ૭૮મા સ્વાતંત્ર્યદિનની લીલીછમ ઉજવણીના ભાગરૂપે જીવનભારતીના પટાંગણમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા જાણીતા ઓપ્થેલ્મોલોજીસ્ટ ડો .ભાવિનભાઈ પટેલના વરદ્દહસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો જેમાં જીવનભારતી મંડળના તમામ હોદ્દેદારશ્રીઓએ ઉપસ્થિત રહી શાળા પરિવારને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આમંત્રિત અતિથિશ્રી તથા હોદ્દેદારશ્રીને આચાર્યશ્રી નિમિષાબેન નાયક તથા નિરીક્ષકશ્રી મૃગાબેન વજીર દ્વારા તુલસીના છોડનુ કૂંડું અર્પણ કરી સત્કારવામાં આવ્યા હતા. સમગ્ર પટાંગણને વૃક્ષોના જતન અને સં વર્ધનને લગતાં સૂત્રો અને ચિત્રો દ્વારા શણગારવામાં આવ્યા હતા. UTA ના વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન, સલામી તથા નારા બોલાવવામાં આવ્યા હતા.