તારીખ: 21/10/2023 શનિવાર રોજ જીવનભારતી મંડળ સંચાલિત aural expressions અંતર્ગત શરૂ થનાર દર મહિનાના ત્રીજા શનિવારે ‘ગ્રંથનો પંથ’ના પ્રથમ સોપાનમાં વકતા શ્રી રશ્મિબેન ઝાએ શ્રી હિમાંશીબહેન શેલત લિખિત આત્મકથન ‘મુક્તિવૃત્તાંત’ પુસ્તકનો રસાસ્વાદ કરાવ્યો હતો. જેમાં વકતાશ્રીએ લેખિકાના પુસ્તક દ્વારા તેમના વ્યક્તિત્વનો પરિચય પણ આપ્યો હતો. લેખિકાના બાળપણનું ખૂબ ઓછું જાણીતું નામ ‘ મુક્તિ ‘ પરથી લખાયેલા આ પુસ્તક ‘મુક્તિવૃત્તાંત’ માંથી વકતા દ્વારા અનેકવિધ પ્રસંગોનું કથન થયું. એક નાના કસબામાં જન્મેલી નારીના જીવનમાં કેવી ઘટનાઓ બને તેનું નિરૂપણ રસાળ શૈલીમાં થયું. કાર્યક્રમનું સફળ સંચાલન ભાવિષાબહેન પટેલે કર્યું હતું.
હિમાંશી બેનનુ પારદર્શક મુકિત વૃતાંત,
રશ્મિબેનના વાણીપાશનું બંધન વૃતાંત,
નિજપ્રેમ ને મુક્ત વિચારોના મુક્ત વાણીવૃતાંત થકી સ્ત્રી આત્મકથાના સાહિત્ય સૂકારાને વાણીના ઝાકળની ભીનાશ અર્પી.

સ્ત્રી લેખિકાની આત્મકથા સુશ્રી હિમાંશી શેલત લિખિત મુકિત વૃતાંત જીવનના અંગત કહી શકાય એવા મનોભાવને પારદર્શક કલમના સ્વીકૃતિ લેખનને વકતા સુશ્રી રશ્મિ ઝા એ વિચાર વાણી આપી વાર્તાલાપ આપ્યો.એમના વાણી સ્ત્રોતની અનોખી એકાંકી અભિવ્યક્તિએ ધનિષ્ઠ સંબંધ સેતુથી શ્રોતાઓ સુધી કાચ અને હીરા વચ્ચેના ભેદ ને સ્પષ્ટ કરતો સંવાદ રજૂ કર્યો.
નાનપણનું નામ મુક્તિ પણ નામને ખરેખર વરેલા એવા લેખિકાની નિજકથા એ મુક્તિ નામને સાર્થકતા બક્ષી. રશ્મિબેનની પુસ્તકની રજૂઆતની શૈલીએ જાણે એક વશીકરણ મંત્ર ફૂંકી માત્ર કર્ણેન્દ્રિયને જ મુક્ત રાખી શરીરને lockdown જાહેર કર્યાનો અનુભવ કરાવ્યો.
લેખિકાનો સર્જનમાં ક્યાંય આત્માશ્લાઘા નહિ પણ નિર્દોષ ,નિખાલસ સ્વીકારભાવ.પ્રેમના જે મનોભાવને લોકો વખોડે છે એને નવી દૃષ્ટિ આપતું આલેખન.
તેઓ નોંધે છે કે,’ છેલ્લે છેલ્લે જોઈ લેવું છે કે કેટલા પ્રમાણિક થઈ શકાય છે અને કેટલા નિખાલસ !’જોઈએ તો ખરા !મુક્તિ જેવી છે તેવી, ઢોળ ચડાવ્યા વિનાની અને રંધો ફેરવ્યા વગરની!
બાળપણમાં નિહાળેલી બે ઘટનાઓ જેમાં પતિ દ્વારા પત્નીને ધોલધપાટ અને ઘોડેસવાર ઘોડાને ફટકારવાની ઘટના માટે તેઓ લખે છે કે ,’ મારનાર અને માર ખાનાર, માલિક અને ગુલામ, શાસક અને શોષિત, એવા વહેંચાયેલા સંસારનો આ પહેલો પાઠ. પ્રાણીઓ બોલે નહીં તોયે એમના અધિકારો છે, આ પૃથ્વી એ સહુ આપણી સાથે વહેંચે છે. એમની સાથે ક્રૂર બની શકતો અથવા એમના પરત્વે લાપરવાહ બની શકતો માણસ નજરમાંથી હેઠો પડ્યો. પડ્યો એ પડ્યો, આજ સુધી એવું જ.’
એમના અણીશુદ્ધ મુક્ત વિચારો એમના કેટલાક અવતરણ પરથી કળી શકાય જેમાં એમણે નિર્દેશ કર્યો છે સ્ત્રી ની મુક્તિનો .
માતૃપદ ને પ્રાપ્ત ન કરનારી સ્ત્રી અધૂરી છે એ ખ્યાલને એટલી હદ સુધી ઘેરો કર્યો છે કે સંતાનને અભાવે બેહાલ બનેલી બુધ્ધિમાન વિદ્યાર્થીનીઓને એમને જોઈ છે એ સંદર્ભ થી સમજાવાનો પ્રયત્ન કર્યો છે.
એમની સ્ત્રી વિચારધારાનો પડઘો શંખનાદ બનીને મુકિત વૃતાંત માં ઝીલાયો છે એ વાત નજરઅંદાજ ના કરી શકાય.
ખરેખર, વાંચનનું બંધન લગાડે એવી મુક્તિ વૃત્તાંત ને વાંચવું રહ્યું.