આ ઉત્સવ આઝાદીના ઇતિહાસનો 
સંકલ્પો થયા સાકાર એ સુવાસનો
વિશ્વગુરુ થઇ આત્મનિર્ભરતાનાં સ્વાભિમાનનો
આઝાદીના અમૃત મહોત્સવના મહાપર્વના ઉત્સાહનો

જીવનભારતી મંડળના ઉપક્રમે સ્વાતંત્ર્યદિનની ઉજવણીના કાર્યક્રમમાં આજરોજ શ્રી મુકેશભાઈ દલાલ (ચેરમેન – ધી સુરત પીપલ્સ કો. ઓ. બેંક લી.)ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડૉ. કેતનભાઈ શેલતના મુખ્ય મહેમાનશ્રીના શાબ્દિક આવકાર પરિચય બાદ શ્રી મુકેશભાઈ દલાલે ઉપસ્થિત સૌને તથા વિદ્યાર્થીઓને આપણો દેશ કેવી રીતે વિકાસશીલ બન્યો તે સમજાવ્યું. વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું કે “જો તમે ભણશો તો તમને ભવિષ્યમાં ભણતર ઘણું કામ લાગશે અને દીકરીઓએ તો ભણવું જ જોઈએ કારણકે દીકરીઓ બે ઘરને તારે છે” કહી આઝાદીના પર્વ પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવની હાર્દિક શુભેચ્છા પાઠવી.

આ કાર્યક્રમમાં કુ. દર્શ કિલ્લેદારે અખંડ ભારતની ગૌરવગાથા સાથે આઝાદીના અમૃત મહોત્સવનો સંદેશો આપ્યો. સંગીતવૃંદ અને તાલીમાર્થી બહેનોએ શૌર્યગીત રજૂ કર્યું હતું.

શ્રી ભરતભાઈ શાહે બાળકોને આપણો દેશ ખુબ ગૌરવશાળી છે આથી  આપણને પણ આપણા દેશ માટે ગર્વ હોવો જોઈએ અને એના માટે કાંઈ પણ કરવા માટે તત્પર રહેવું જોઈએ. તેમણે “दिल दिया है जां भी देंगे ऐ वतन तेरे लिए” ગાઈને તેમનું વક્તવ્ય પૂરું કર્યું.

બાળકોએ ભારતનાં ગૌરવશાળી ઇતિહાસની ગૌરવવંતી ગાથાને નૃત્યાત્મક સ્વરૂપે રજૂ કરી તમામ ઉપસ્થિત મહાનુભાવોને રાષ્ટ્રભક્તિના રંગે રંગી દીધા. આ પ્રસંગે શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે રાષ્ટ્ર અને રાજ્યકક્ષાએ પુરસ્કૃત વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા.

અખંડ ભારતના સ્વાતંત્ર્યદિન પર્વની ગરિમાપૂર્ણ ઉજવણીના અંતે રાષ્ટ્રીય પ્રતિક સ્વરૂપે ત્રિરંગી ફૂગ્ગાઓને સ્વતંત્ર ભારતના ગગનમાં મુક્ત રીતે વિહરવા માટે મુખ્ય મહેમાનશ્રી,મહાનુભાવો  અને બાળકોનાં હસ્તે હર્ષોનાદ સાથે ઉડાવવામાં આવ્યા. આમ સ્વાતંત્ર્યદિન પર્વની ગર્વભેર ઉજવણીનું સાર્થક સાકાર સ્વરૂપે સુપેરે સમાપન કરવામાં આવ્યું.