ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને જીવનભારતી મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય કાર્યશાળા ભાષાસજ્જતા શિક્ષણમાં નાટ્યપ્રયુક્તિ
દિન ૧ : દિનાંક ૨૨.૦૯.૨૦૨૨ના રોજ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને જીવનભારતી મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય કાર્યશાળા ભાષાસજ્જતા શિક્ષણમાં નાટ્યપ્રયુક્તિનો ઉદ્ઘાટન સમારંભ જીવનભારતી રંગભવન ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડૉ. કેતનભાઈ શોભાવ્યું. કાર્યશિબિરમાં પ્રશિક્ષક તરીકે પધારેલ શ્રી કમલભાઈ જોશીએ અતિથિપદ શોભાવ્યું. મંડળના મંત્રીશ્રી અજીતભાઈ શાહે આવકાર પ્રવચન આપ્યું. દીપપ્રાગટ્ય અને પ્રાર્થના થકી કાર્યક્રમનો શુભારંભ થયો. અતિથિવિશેષ શ્રી કમલભાઈ જોશીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં પ્રેક્ષાગારમાં ઉપસ્થિત શિક્ષકોને “ચાણક્ય” અને વિદ્યાર્થીઓને “ચંદ્રગુપ્ત” તરીક સંબોધ્યા. નર્મદની ભૂમિ પર જીવનભારતીના આંગણે આવા ભવ્ય કાર્યક્રમો યોજાતા રહે છે એ બાબતે આનંદ અને ગૌરવની લાગણી અભિવ્યક્ત કરી. સત્ર-૨ માં શ્રી કમલભાઈએ “શિક્ષક હંમેશા વિદ્યાર્થી જ હોય છે અને સતત કઈક નવી પ્રયુક્તિઓ શીખતો રહે છે” એવા ઉદ્દબોધન સાથે કાર્યશાળા શરુ કરી. સાથે શિક્ષકો માટે ક્રિયાત્મક તાલીમનું આયોજન કરવામાં આવ્યું. પ્રા. ડૉ. કમલભાઈ જોશી અને પ્રા. ડૉ. કાર્તિકેય ભટ્ટ દ્વારા કાર્યશિબિરમાં ભાષા સજ્જતા વિષયક નાની નાની બાબતોની કાળજી રાખવાનું સૂચન કરતાં ઉચ્ચાર સ્પષ્ટતા માટે અનુરોધ કર્યો. સાથે નાટ્યપ્રયુક્તિ દ્વારા માત્ર સાહિત્યની કૃતિઓ જ નહીં પણ ગણિત વિજ્ઞાન કે સમાજવિદ્યા જેવા તાર્કિક વિષયોને પણ સહેલાયથી સમજાવી શકાય છે એ બાબતને ક્રિયાત્મક રીતે રજૂ કરી બતાવી સમગ્ર કાર્યક્રમમાં સત્ર પ્રમાણે વર્ગોનું આયોજન કરવામાં આવ્યું અને શિક્ષકોને તાલીમ આપવામાં આવી.
દિન ૨ : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને જીવનભારતી મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય કાર્યશાળાના બીજા દિવસે દિનાંક ૨૩.૦૯.૨૦૨૨ના રોજ જીવનભારતી રંગભવન ખાતે રામધારી શ્રી દિનકર રચિત “રશ્મિરથી” ના તૃતીય સર્ગનું વાચિકમ દ્વારા પ્રસ્તુતિકરણ થયું. જેમાં નેહુલ મારફતિયા, ભાવિષા પટેલ, સોનલ સુરતી, ચૈતાલી પટેલ, ફોરમ પરમાર અને રશ્મિ ઝા એ ભાગ લીધો હતો. દિગ્દર્શન રશ્મિ ઝા અને સંગીત સંકલન સુનીલ રેવરે કર્યું હતું. સમગ્ર વાચિકમમાં શ્રી કપિલભાઈ શુક્લનું માર્ગદર્શન મળ્યું હતું. પ્રા. ડૉ. કાર્તિકેય ભટ્ટ દ્વારા ભાષા સાહિત્યના બહુવિધ સાહિત્યિક સ્વરૂપોની સમજ આપવામાં આવી અને પ્રા. ડૉ. કમલભાઈ જોશી દ્વારા શિક્ષકો માટે પર્ફોમિંગ આર્ટ અને વિષય તથા ભાષા શુદ્ધિ તેમજ વર્ગમાં થતા શૈક્ષણિક કાર્યો માટે નવીનતમ પ્રયોગો કેવી રીતે શક્ય છે તે બાબતે પ્રેક્ટિકલ કરાવવામાં આવ્યા આ સાથે તૃતીય દિવસના કાર્યક્રમના આયોજનની જાહેરાત કરવામાં આવી. જેમાં એક કૃતિમાંથી અન્ય સાહિત્યની વિધામાં રૂપાંતરણ અને પ્રસ્તુતિ માટે શિક્ષકો તૈયાર થાય એવો અનુરોધ કરવામાં આવ્યો.
દિન ૩: કાર્યશાળામાં ત્રીજા દિવસે પ્રા. ડૉ. શ્રી કાર્તિકેય ભટ્ટ દ્વારા માત્ર સાહિત્યની કૃતિઓ જ નહીં પણ વિષયોને નાટ્યાત્મક રીતે વિદ્યાર્થીઓ સમક્ષ કેવી રીતે રજૂ કરી શકાય તે પ્રેક્ટિકલ દ્વારા બતાવાયું. ડૉ. કમલભાઈ જોશીએ સાહિત્યની અન્ય વિધાઓનું નાટ્યાત્મક રૂપાંતર અને પ્રસ્તુતિકરણ શિક્ષકો પાસે કરાવ્યું. પ્રત્યેક શિક્ષક આ પ્રેક્ટિકલમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો. ભાષા સાહિત્ય શિક્ષણના સંદર્ભે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ભેદ અને વિભાવના તેમજ આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ સાથે સ્પર્ધા કરવા માટે જરૂરી કૌશલ્યોની ચર્ચા થઇ. ત્રીજા સત્રના અંતે જીવનભારતી મંડળના તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ સંપન્ન થયો. સાથે પ્રત્યેક તાલીમાર્થી શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.