
નમસ્કાર,
હું પરમાર પરેશકુમાર સી., એમ. એ (ઈતિહાસ), બી.એડ્, પી.જી.ડી.એમ (જર્નાલીઝમ), એમ.ફિલ. (ઈતિહાસ), હિન્દી વિનિત, કોવિદ, સંસ્કૃત વિશારદ, ચિત્રકલા એલીમેન્ટ્રી-ઇન્ટરમીડિએટ, NCC ‘B’ & ‘C’, સંગીત, TAT-TET વગેરે પરીક્ષાઓ પાસ કરી, છેલ્લા ૨૨ વર્ષથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાખ્યાતા, આચાર્ય તરીકે ફરજ નિભાવીને હાલમાં જીવનભારતી મંડળ સંચાલિત શ્રીમતી કે.પ.ગાંધી પ્રાથમિક વિદ્યાલય ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં છેલ્લા ૬ વર્ષથી આચાર્ય તરીકે મારી સેવા બજાવી રહયો છું.
મારા રસ અને શોખના વિષયોમાં લેખન, વાંચન, વાદન, કાવ્ય, પ્રવાસ, મૈત્રી, ફોટોગ્રાફી, સંશોધનાત્મક અભિગમ, વગેરે માં અભિગમ દાખવવો. આવા અભિગમ ને દાખવતા મારા શિક્ષણકાર્ય ની સાથે મારા બાળકોને, શિક્ષકો, વાલીઓને એક સ્પેનીશ કાવ્યનો ભાવાનુવાદ આપ સૌને માટે પ્રસ્તુત કરી સમર્પિત કરું છું.
હે પ્રભુ !
મારી નિશાળ તરફનો મારો
અનન્ય ભક્તિભાવ હેમેશને માટે
મારા હૈયામાં વહેતો રહે……
મારા કરતાંય અધિક માતૃત્વ
મારામાં જાગતું રહો.
જે મારા સંતાન નથી,
તેમના ઉપર પણ મને વાત્સલ્ય વરસાવવાની
શક્તિ સદૈવ માટે વરો.
માની જૈમ તેમને પણ
પાંખમાં લેવાનું મને આવડો.
પ્રત્યેક
-મારી પાસે ભણતાં-
બાળકમાં મારા જીવનનો સંવાદ
પૂરવાની એને જીવંત કાવ્ય બનાવવાની કલા
મારામાં પ્રગટો.
જે મારી નિશાળમાં હો
તે જનહિતાય, જનસુખાય હો
અને અલ્પને પણ ઉન્નત કરનારુ હો મારી જીવન સરિતા
સરળતાથી નિર્મળપણે વહેતી રહે.
મારી દૃષ્ટિ
અગાધ અને અગોચર ને શોધતાંય ન થાકે તેવી હો.
મારું અધ્યયન અને અધ્યાપન
દંભ રહિત અને અસંદીગ્ધ હો
જીવનની તુચ્છ સંધિ, વ્યાધિ, કે ઉપાધિ
મારા કાર્યમાં ક્યાંરેય અવરોધક ન હો.
મારા હાથમાં
માતાના હાથની
દુઃખ ને વિસરાવી દેતી
મૃદુતા આવીને વસો !
ઈંટ માટીની મારી નિશાળમાં
પ્રાણ પૂરવા જેટલું મારામાં સામર્થ્ય હો.
એની કંકાલ કાયાને
ઉષ્મા અર્પી શકે તેવી મારામાં
અડગ શ્રદ્ધા હો.