જીવનભારતી સંસ્થામાં આજરોજ યોજાયેલ રાષ્ટ્રના ૭૨મા પ્રજાસત્તાક પર્વની કોરોના વોરિયર્સના વિષયવસ્તુ સાથે શહેરના જાણીતા બાળરોગ નિષ્ણાંત અને જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડૉ. કેતનભાઈ શેલતના મુખ્ય અતિથિ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ આચાર્યાશ્રી નિમિષાબેન નાયકે શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું હતું. મંત્રીશ્રી અજીતભાઈ શાહે, ડૉ. કેતનભાઈ શેલતનો પરિચય આપ્યો હતો. અતિથિ સ્થાનેથી ઉદબોધન કરતા ડૉ. કેતનભાઈ શેલતે શિક્ષકોને હવે પછીના સમયમાં શિક્ષણની સાથે-સાથે વિદ્યાર્થીઓની આરોગ્યની, સુખાકારીની જવાબદારી પણ ઉપાડી લેવા કહ્યું હતુ. પોતાને સોંપયેલી ફરજ નિષ્ઠાથી નિભાવવી એ પણ બંધારણનો અમલ જ છે, એ વાત પર એમણે ખાસ ભાર મુક્યો.

આ સાથે જીવનભારતી સંસ્થાના તમામ ભવનોના જે વાલીમિત્રોએ લોકડાઉન દરમિયાન કોરોના વોરિયર્સ તરીકેની કામગીરી નિભાવી તેમને આમંત્રિત કરી, સ્મૃતિભેટ અર્પણ કરી, સન્માનિત કરવામાં આવ્યા. જીવનભારતી કુમારભવનના ચિત્રશિક્ષકશ્રી તુલસીદાસ પટેલને તેમના વારલી પેઇન્ટિંગ માટે મળેલ રાષ્ટ્રીય એવોર્ડ બદલ મંડળ દ્વારા પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યું.