તા. ૩જી માર્ચ મંગળવારના રોજ શાળામાં એક વિશિષ્ટ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અતિથિ વિશેષપદે શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી ડૉ.કાંતિભાઈ ધનગર તેમજ જીવનભારતી મંડળના સભ્ય અને કુમારભવનના પ્રતિનિધિ શ્રી મયંકભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિતિ રહી સંમેલનની શોભા વધારી હતી. પ્રાસંગિક ઉદબોધન શાળાના આચાર્યા શ્રીમતી પિન્કીબેન માળીએ કર્યું હતું.

ડૉ.કાંતિભાઈએ શાળાના સંસ્મરણોને વાગોળ્યા હતા અને સર્વાંગી કેળવણીની સંસ્થા જીવનભારતી શાળાના વિદ્યાર્થીઓ સમાજમાં દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહી શાળાનું નામ રોશન કરી રહયા છે, એ માટે ગૌરવ વ્યક્ત કર્યું અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી મયંકભાઈ ત્રિવેદીએ બાળકોને શિસ્ત અંગે તેમજ બાળકોના ઘડતર માટે ખાસ સૂચનો આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પડયું હતું.

આ સંમેલન ધો.૯ની વિદ્યાર્થીની પટેલ ઋચલ અને સોલંકી નિષ્ઠાએ ગણેશ વંદના નૃત્ય સ્વરૂપે રજુ કરી હતી. ત્યારબાદ ધો.૯ના વિદ્યાર્થીઓએ કલ્પનાસભર એકાંકી ‘ઈશ્વર જ સત્ય છે’ એની સુંદર પ્રસ્તુતિ કરી હતી. મહેમાનશ્રીઓએ વિદ્યાર્થીઓની અભિવ્યક્તિ માટે અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમની સાથે શાળામાં ઈતરપ્રવૃત્તિ સુપર આયોજિત વિવિધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ ઈનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગણેશ વંદના માટે પ્રતિનિધિ શ્રી મયંકભાઈએ બંને વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર એનાયત કર્યુ હતું. આભારવિધિ નિરીક્ષક શ્રીમતી ચેતનાબેન પટેલે કરી હતી.