75 વર્ષથી શ્રેષ્ઠતમ શિક્ષણ પ્રદાન કરતી અને સક્ષમ વર્તમાન ધરાવતી જીવનભારતી સંસ્થામાં પરમ પૂજ્યશ્રી મોરારીબાપુની ઉપસ્થિતિમાં પત્રકારત્વ ક્ષેત્રમાં ‘પિતામહ’નું સ્થાન પામેલા ‘પદ્મશ્રી’થી સમ્માનિત સ્વ.નગીનદાસ સંઘવીનો “સ્મૃતિઉત્સવ” તા. 15 ડિસેમ્બર બુધવારે સવારે 11 કલાકે જીવનભારતી રંગભવન ખાતે યોજાયો હતો. કાર્યક્રમના શુભારંભ સંસ્થાના મંત્રીશ્રી કેતનભાઈ શેલત સાહેબે આવકાર પ્રવચન આપતા ‘નગીનદાસ સંઘવી’ના વ્યક્તિત્વનો પરિચય તેમજ સંસ્થાનો પરિચય આપ્યો. આ સાથે બાપુના ચરણે સ્મૃતિભેટરૂપે તુલસીભાઈ પટેલે  બનાવેલ હનુમાનના વિવિધ રૂપોનું વાર્લી પ્રિન્ટ ચિત્ર, વાસુદેવ સ્માર્ત દ્વારા બનાવેલ ગણપતિ ચિત્ર તેમજ સુનીલભાઈ પટેલ નિર્મિત બાપુનું પેન્સિલ પોટ્રેટ અર્પણ કરાયું.

પત્રકારત્વ ક્ષેત્રે સર્વોત્તમ પ્રદાન માટે અમદાવાદના શ્રી ભાર્ગવ પરીખ અને મુંબઈના શ્રી ચિરંતના ભટ્ટને બાપુના વરદહસ્તે નચિકેત એવોર્ડ તેમજ સવાલાખનો રોકડ પુરસ્કાર અર્પણ કરાયો. સાહિત્ય અને સાહિત્યકારની સમાજમાં સ્વીકૃતિ હોય એટલુ જ પૂરતુ નથી પણ સામાજિક પ્રવાહમાં એમના વિચારોને પણ સ્થાન મળવું જ જોઈએ એ હેતુથી સ્વ. નગીનદાસ સંઘવીના વિચારોના શબ્દદેહ સમા પુસ્તકો (1) ઓશો: વિદ્રોહ અને વિવાદની આરપાર અને (2) Rajiv Gandhi: A Political Biography પુસ્તકોની પ્રાણ પ્રતિષ્ઠા (વિમોચન) પ. પૂ. શ્રી મોરારીબાપુના શુભહસ્તે કરવામાં આવી. આ સાથે કોવિડ 19માં જીવનભારતી સંસ્થાની પડખે રહી ભામાશાની ભૂમિકા નિભાવનાર શ્રેષ્ઠી શ્રી ભાનુકુમાર શાહ, ડૉ. બિપિનભાઈ દેસાઈ, શ્રી પંકજભાઈ કાપડિયા, શ્રી પારસભાઈ મહેતા, શ્રી નયનભાઈ ભરતિયાએ શિક્ષણક્ષેત્રે સેવાયજ્ઞ સમાન કાર્ય કર્યું.

રામાયણ જેવા પૌરાણિક ગ્રંથો માત્ર પૂજવા કે આરતી કરવા માટે જ નહિપણ તેના સિદ્ધાંતોને આચરણમાં મૂકવા માટે છે. વિશ્વભરમાં રામચરિતમાનસના જીવનપરિવર્તક કથારસને વહાવનાર સાચા રાષ્ટ્રપુરુષ શ્રી મોરારીબાપુએ બાપુ અને બાપાના સંબંધોની ગરિમા વ્યક્ત કરતા કહ્યું કે જેની પાસે બોધ હોય તેને કદી વિરોધ નહિ હોય. આ બાપુએ બાપાની સાધુતાને વંદન કર્યા અને શાળાને અને સમાજને શુભેચ્છા પાઠવી. અંતે સંસ્થાના મંત્રીશ્રી અજિતભાઈ શાહે આભારવિધિ કરી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી યોગેશભાઈ ચોલેરાએ કર્યું.

આ કાર્યક્રમનું વીડિઓ જોવા માટે અહી ક્લિક કરો. https://www.facebook.com/khabarchhe/videos/287571366642949