તરીક 16/03/2019 શનિવારના રોજ “વસુંધરાની વાણી” કાર્યક્રમનું આયોજન જીવનભારતી રંગભવનમાં કરવામાં આવ્યું હતું. જેમાં આ વખતે આપણને વાણીમાં તરબોળ કરવા દેવાસ (મધ્યપ્રદેશ)ના સુપ્રસિદ્ધ લોકગાયક ‘કાલુરામ બામણીય’ તથા સાથી કલાકારો આવ્યા હતા.
વસુંધરાની વાણી‘ એક એવી પ્રવૃત્તિ છે કે જે વહેવારની ભાષામાં જ પૂરાઈને રહેતા આપણ જીવને કૂણો, કુમળો ને કુદરતી બનાવવાની લગની રાખે છે. ભાષાના મોહમાં આપણે વાણીને વિસરી ન જઈએ તે માટે પણ પ્રયત્ન કરવા માંગે છે.
કવિત, કવિતા, ભજન, દુહા, વારતા અને શબદ રૂપે પ્રગટ થયેલી રસગર્ભા વસુંધરાની પોતાની વાણીમાંથી ગુજરાતના અને ભારતભરના કવિ, ભજનિકોને, શબદના બંદાઓએ સાંભળેલી, ઝીલેલી ધારા સજીવન કરીને ગુજરાતના ગ્રામીણ તથા શહેરીજનોના કાનથી તેમની જીભ લગી પહોંચવાનો આ પ્રયાસ છે.