વિદ્યાર્થીઓ વર્ગખંડની ચાર દિવાલો વચ્ચે બેસીને પુસ્તકિયું જ્ઞાન ન મેળવતા સર્વાંગી કેળવણી પ્રાપ્ત કરે તથા કાર્યાનુભવથી જ્ઞાન પ્રાપ્ત કરે તે હેતુથી અમારી શાળામાં વિવિધ અભ્યાસેત્તર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં ‘પ્રવાસ’ આવી જ એક પ્રવૃત્તિઓનો ભાગ છે. પરસ્પરના સહકારથી અનુકુલન સાધતા શીખે તે માટે પ્રવાસ ખૂબજ મહત્વની ભૂમિકા ભજવે છે.

આ વર્ષે ગાંધીજીની ૧૫૦મી જન્મ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે પ્રવાસમાં ગાંધીજી સાથે સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલા નેતા સાથે આનુસાંગિતા ધરાવતા સ્થળે લઇ જવાના હોવાથી અમે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અને સરદાર સરોવરની મુલાકાતના તા: ૨૪/૧૨/૨૦૧૯ ના રોજ એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રવાસમાં કુલ ૧૫૬ વિદ્યાર્થીઓ જોડાયેલા હતા. સવારે ૪:૩૦ કલાકે પ્રવાસમાં જનાર તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રો શાળાના સંમેલનખંડમાં ભેગા થયા. સવારે ૫:૦૦ વાગ્યે શાળામાંથી અમે રવાના થયા. લગભગ સવારે ૭:૦૦ કલાકે અમે ગુમાનદેવ નજીક આવેલા સાઈબાબા મંદિરના પરિસરમાં સેવ ખમણી, પાપડી, જલેબીનો નાસ્તો લઇ ત્યાંથી ૮:૦૦ વાગ્યે અમારા ગંતવ્ય સ્થળે જવા માટે પ્રસ્થાન કર્યું. લગભગ પોણા દસ વાગ્યાની આસપાસ અમે સરદાર સરોવર ડેમ જોવા માટે તેના વ્યુ પોઇન્ટ પર ગયા. અહી ત્યાની એક અધિકારીએ સરદાર સરોવર ડેમ તથા સરદાર સરોવર યોજના વિશે વિસ્તૃત માહિતી આપી. ત્યાંથી પરત ફરી સહુ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલી વેલી ઓફ ફ્લાવર નામના ઉદ્યાનમાં ગયા. જે અલગ-અલગ પ્રકારના ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. જેની મજા માણતા લગભગ એક કલાક જેટલો સમય વિદ્યાર્થીઓને લાગ્યો. ત્યાંથી સૂરપાણેશ્વર મંદિર પર સહુ જમવા માટે ગયા.

જમવામાં ચીઝ પનીરની સબ્જી, બાસ્કેટ કચોરી, દાલ ફ્રાય અને જીરા – રાઈસ, બટાકા ચિપ્સ, ચોકલેટ ચિપ્સ શીખંડ, પૂરી જેવી વનગીઓ વિદ્યાર્થીઓએ બગાડ કર્યા વગર આરોગી. અહીંથી લગભગ બે વાગ્યાની આસપાસ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ત્યાંથી રવાના થયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ મેળવ્યા બાદ લગભગ દોઢે ક કલાક રાહ જોયા બાદ અમે સ્ટેચ્યુની વ્યુ ગેલેરીમાંથી (૪૫માં માળેથી) સમગ્ર વિસ્તાર તેમજ ડેમનો અદભુત નજારો જોયો.  લિફ્ટમાં નીચે આવ્યા બાદ અમે ત્યાંની મ્યુઝિયમની મુલાકાત લીધી. એક સુંદર અને અવિસ્મરણીય અનુભવ સાથે અમે સાંજે ૬ કલાકે લેઝર શો જોવા ગયા. આ લેઝર શો ૭:૦૦ વાગ્યાની આસપાસ શરૂ થઈ ૨૫ મિનિટ સુધી ચાલ્યો. જેમાં સરદાર પટેલના જીવનચરિત્ર તેમજ આઝાદી માટે તેમણે કરેલા સત્યાગ્રહોની વિસ્તૃત માહિતી આપી. આ વધુ નિહાળી અમે રાત્રીના ભોજનસ્થળે ગયા. જ્યાં ચાઈનીઝ, મનચાઉં સૂપ, નૂડલ્સ, ગ્રેવી મંચુરિયન જેવું પ્રિય ભોજન વિદ્યાર્થીઓએ આરોગ્યુ.

પ્રવાસના અંતમાં સંગીતનો આનંદ લઇ મસ્તી કરતાં સહુ સુરત જવા રવાના થયા. લગભગ રાત્રે ૧:૪૫ કલાકે શૂળાએ પહોચ્યા જ્યાં વાલીઓ ઉત્સુકતાથી પોતાના બાળકના પરત ફરવાની રાહ જોઈ રહયા હતા. સહુ વાલીઓને સુપરત કર્યા બાદ શિક્ષકો પોતાના ઘરે રવાના થયા. આ પ્રવાસમાં શૂળાના શિક્ષકો અનુક્રમે શ્રી મૃગાબેન, શ્રી શેતલબેન, શ્રી ભાદ્રિકાબેન, શ્રી યોગિતાબેન, શ્રી અંજનાબેન, શ્રી રોશનીબેન, શ્રી માયાબેન, શ્રી લ્વીનલબેન અને ક્લાર્ક ભાઈ શ્રી જગદીશભાઈ તેમજ સેવક ભાઈ – બહેનો જોડાયા હતા.