ડૉ. વિજય શાસ્ત્રી સાથે પ્રશ્નોત્તરી – સંધ્યા ભટ્ટ

દક્ષિણ ગુજરાત વિસ્તારની જૂની અને જાણીતી એમ.ટી.બી. આર્ટ્સ કોલેજમાં વર્ષો સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરનાર ડૉ. વિજય શાસ્ત્રી ઘણાં વર્ષો થયાં નિવૃત્ત છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને જયંત પાઠક જેવા મૂર્ધન્ય સાહિત્યકારો પાસે તેઓ ભણ્યા. અંગ્રેજી ભાષાની કૃતિઓ અને પાશ્ચાત્ય વિવેચકોનું પરિશીલન કરનાર વિજય શાસ્ત્રી પાસેથી વિવેચનનાં પુસ્તકો મળ્યાં છે. તેમના વાર્તાસંગ્રહો પણ પુરસ્કૃત થયા છે. તો વ્યંગકાર તરીકે પણ તેમને પ્રતિષ્ઠિત કરી શકાય એવું તેમનું કામ છે. એક વિદ્યાર્થિની તરીકે તેમના ઉત્તમ અધ્યાપનનો લહાવો મને મળ્યો છે. તેમની સાથેની પ્રશ્નોત્તરી દ્વારા ઘણું પામી શકાશે.

પ્ર. આપનો જન્મ ક્યાં અને ક્યારે? આપનાં માતાપિતા, ભાઈબહેન વિષે કહો.

ઉ. મારો જન્મ ૧૦-૦૮-૧૯૪૫ના રોજ મોસાળ, સાંતાક્રુઝ (મુંબઈ) ખાતે. માતા રમાગૌરી, પિતા રમણલાલ, ભાઈ કિરણ, બહેન રૂપા.

પ્ર. નાનપણ ક્યાં વીત્યું? ઘરમાં કેવું વાતાવરણ હતું?

ઉ. નાનપણ સુરતમાં વીત્યું. ઘરનું વાતાવરણ આર્થિક તંગીને લીધે બહુધા તનાવભર્યું, કંઈક અંશે કુંઠિત.

પ્ર. શાળેય શિક્ષણ ક્યાં થયું? તે સમયનાં સંભારણાં કહો.

ઉ. ધોરણ એક થી પાંચ નગર પ્રાથમિક શાળા નંબર એક, નાનપુરા, સુરત ખાતે. ઘેરથી એક-દોઢ  માઈલ દૂર. ચાલતાં જ જવાનું. હું ને મારો નાનો ભાઈ કિરણ બંને સાથે જતા-આવતા. ચાલીને જવાનું એટલે શાળાએ પહોંચતાં જ થાક-તરસથી ઠૂસ થઇ જવાય. ભણવામાં ધ્યાન ન રહે. શિક્ષકો પણ સરેરાશ કક્ષાના. કશી સમજ પડે નહિ. મારપીટ હોંસપૂર્વક કરે. અમે બંને ભાઈઓએ શાળામાં શિક્ષકોનો, શાળા બહાર વડીલોનો માર સારો એવો ખાધેલો. અત્યારે ઓછું સંભળાવાની સમસ્યા છે તે કદાચ શિક્ષકોના જોરદાર તમાચાઓને કારણે પણ હોઈ શકે. ધોરણ ૯ થી જીવનભારતી શાળામાં પ્રવેશ લીધો.મારો ભાઈ પણ ત્યાં જ દાખલ થયો. પિતાશ્રીને અમારા સારા શિક્ષણ માટે ફિકર હતી. ત્યારના આચાર્યશ્રી ચંદ્રવદન શાહ ખાદીધારી . તેમનું વક્તવ્ય સાંભળવું એક અનેરો લહાવો હતો. લગભગ બધા જ શિક્ષકો ગાંધીમૂલ્યોમાં માનનારા ખાદીધારી. અરુણચંદ્ર પંડ્યા, દેવશંકર ઉપાધ્યાય, ત્રિપુરાબેન ગજ્જર, સવિતાબેન દેસાઈ, નિર્મળાબેન નાયક, નાટ્યવિદ્દ જયોતિભાઇ વૈદ્ય, ઠાકોરભાઈ નાયક, હીરુભાઇ અને હવે જેનો ખાસ ઉલ્લેખ થશે તે અંબુભાઈ દેસાઈ. બધાં જ નિષ્ઠાવાન અને પોતાના વિષયમાં નિષ્ણાંત. હવે વાત અંબુભાઈની. તે વખતે સ્કાઉટની પ્રવૃત્તિ ચાલતી. હું પણ તેમાં ખરો. તેમાં એક વાર પાસેના એક સ્થળે એકદિવસીય શિબિર ગોઠવાયેલો. અમારા લીડર હતા અંબુભાઈ દેસાઈ. સચીનથી સુરત પાછા ફરવા લોકલ પકડવાની હતી. શિયાળુ અંધારું ઘટ્ટ થવા માંડ્યું હતું. મોડું થઇ ગયું હોઈ બધાંને ઝડપથી ચલાવ્યાં-લગભગ દોડાવ્યા. મારા જોડા નવા હોઈ ડંખતા હતા એટલે કાઢી નાખ્યા ને ઉઘાડા પગે દોડવા લાગ્યો. શિયાળુ અંધારું ઘટ્ટ થતું જતું હતું. ત્યાં જ એક બાવળનો કાંટો પગમાં ભોંકાઈ ગયો. લોહીનો દડૂડો વહેવા માંડયો. અંબાલાલ સાહેબે આ જોયું. ગાડીનો ટાઇમ થવા આવ્યો હતો એટલે એમણે મને (ધોરણ નવના વિદ્યાર્થીને) ખભે બેસાડી દીધો ને લાંબી ફાળે ચાલવા લાગ્યા. ધોરણ નવના વિદ્યાર્થીને ખભે બેસાડી એક-દોઢ માઈલની મજલ ઝડપી પગલે કાપવી એ કેટલું કષ્ટસાધ્ય અને કપરું હતું તે ‘આજે’ હું સમજી શકું છું. મારા પગે ધૂળિયું લોહી અને લોહિયાળ ધૂળ વળગેલાં હતાં તે અંબુભાઈસાહેબની બગલાની પાંખ જેવી સફેદ કફની પર ભૃગુપદલાંછન સમાં તગતગી રહેલાં આજે હું કલ્પી શકું છું. ટ્રેનમાં મારો ઘા સાફ કર્યો. આટલું બધું થયું તેનું તેમને ભાન જ નહિ તો અભિમાન તો ક્યાંથી હોય? ભલભલા ઉચ્ચ હોદાધારીઓ, ઉચ્ચતમ ડીગ્રીધારીઓ કરતાં આવા શિક્ષકની ઊંચાઇ વધુ હોય છે. એમને મારાં શતાધિક પ્રણામ પાઠવું છું. જીવનભારતીમાં જ સંગીતજ્ઞ મહાદેવભાઈ, તેમના સુપુત્ર ડૉ. ઋષિકુમાર, સાહિત્યસર્જકો હિમાંશી શેલત અને જયદેવ શુક્લ આગળપાછળનાં ધોરણોમાં હતાં. શાળાશિક્ષણમાં હું ખાસ કશું ઉકાળી શક્યો નહિ. મારાં માબાપ મારા નબળા પરિણામથી અત્યંત ચિંતિત રહેતાં. મને અને મારા ભાઈને  જાતજાતની જગ્યાએ ટયુશન પર મોકલ્યા પણ અમે બંનેએ શાળા-ટયુશનના તમામ શિક્ષકોને નિષ્ફળ કર્યા! વાર્ષિક પરિણામમાં મારો ૪૫મો નંબર આવતો કેમકે ૪૬મો છોકરો જ નહોતો!